ગોડલાધારની શાળામાં નવા વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત
પ્રવેશોત્સવમાં અશોકભાઈ ચાવે ભૂલકાઓને આવકાર્યા; નાયબ સચિવ જયશ્રીબેન વસાવાએ શિક્ષણનું મહત્વ સમજાવ્યું
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના ગોડલાધાર ખાતેની માધ્યમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવઅને કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો.
આ અવસરે અધ્યક્ષસ્થાને ગામના આગેવાન અશોકભાઈ ચાવે ગોડલાધારની પ્રાથમિક શાળામાં નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશ મેળવતા નાના ભૂલકાઓનું વહાલભેર સ્વાગત કર્યું હતું.
અશોકભાઈ પ્રેરણા આપતા જણાવ્યું હતું કે, શિક્ષકો અને માતા પિતાએ બાળકો આગળ વધે તે માટે સતત પ્રેરણા આપતું રહેવું જોઈએ. ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પ્રત્યેક બાળક શિક્ષિત અને જવાબદાર નાગરિક બને તે અનિવાર્ય છે. તે માટે ભણતર અને ગણતર બંને જરૂરી છે. તેમણે શિક્ષકોને પણ બાળકોને સ્નેહપૂર્વક ભણાવવા તથા તેના સર્વાંગી વિકાસ ઉપર ધ્યાન આપવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે શાળાના આંગણે પ્રથમવાર પગ મૂકતા ભૂલકાઓને આવકારવામાં આવ્યા હતા. તેમને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ શાળાના વિવિધ શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા તેજસ્વી તારલાઓનું ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના અંતે શાળાના પટાંગણમાં પ્રકૃતિના જતનનો સંદેશ આપતું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને માર્ગ સલામતીના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
આ તકે જયશ્રીબેન વસાવા(નાયબ સચિવ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર, મહિમાબેન દવે – અંગત મદદનીશ, ગાંધીનગર, હેમા પંડ્યા, DPSC, માલનીબેન, વૈશાલીબેન, હિરલ ગોસ્વામી, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.


