સુરત ડિમોલેશનના પીડિતો માટે તુરંત પુનવર્સનની વ્યવસ્થા કરાવા HCનો નિર્દેશ
અત્યાર સુધીમાં શું પગલા લેવાયા તેનો એકશન ટેકન રિપોર્ટ તા.૯ જુલાઇએ રજૂ કરવા સરકારને હુકમ
અગ્ર ગુજરાત, સુરત
સુરતના ચર્ચિત અને વિવાદાસ્પદ નાસિરનગર ડિમોલિશન મામલે ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવીને સુરત મહાનગરપાલિકા અને પોલીસ પ્રશાસનની આકરી ઝાટકણી કાઢી છે. આ કેસની સુનાવણી દરમિયાનકોર્ટે તંત્રના જવાબો પર તીવ્ર નારાજગી વ્યક્ત કરતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “માત્ર પાંચ નીચલા સ્તરના અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવા એ આ ગંભીર ગુનાનો જવાબ નથી. ઉચ્ચ અધિકારીઓને બચાવવા માટે આ પ્રકારની રમત ચલાવી લેવાશે નહીં, અમારી સત્તાને પડકારવાનો પ્રયાસ ન કરો.”
હાઈકોર્ટે સુનાવણી દરમિયાન અવલોકન કર્યું કે, રોડ ડિમાર્કેશન (માપણી) માટે પોલીસ બંદોબસ્ત મંગાવીને તેની આડમાં આખું ગેરકાયદેસર ડિમોલિશન પ્લાનિંગ સાથે કરી નાખવામાં આવ્યું. મનપા અને પોલીસની હાજરીમાં મોટા-મોટા મશીનો રસ્તા પર આવી ગયા અને ગરીબ પરિવારોના મકાનો તોડી પાડવામાં આવ્યા. તમે ગરીબ પરિવારોના ભવિષ્યનો સહેજ પણ વિચાર ન કર્યો અને ખાનગી વ્યક્તિને ફાયદો કરાવવા માટે આખી મશીનરી કામે લગાડી દીધી?” કોર્ટે સુરત મનપા કમિશનરના રિપોર્ટને ‘આંખમાં ધૂળ નાખવા સમાન’ ગણાવીને ફગાવી દીધો છે.
ગુજરાત હાઇકોર્ટે આ સમગ્ર ગેરકાયદેસર ડિમોલિશન મુદ્દે રાજ્ય સરકાર પાસેથી કડક ખુલાસો માંગ્યો છે. કોર્ટે આદેશ આપ્યો છે કે જે પરિવારો આ ચોમાસાની ઋતુમાં ઘરવિહોણા બન્યા છે, તેમના માટે તુરંત પુનર્વસન અને રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. તંત્ર દ્વારા અત્યાર સુધી શું પગલાં લેવાયા તેનો વિગતવાર એક્શન ટેકન રિપોર્ટ આગામી 9 જુલાઈ સુધીમાં કોર્ટ સમક્ષ રજૂ કરવાનો કડક આદેશ આપ્યો છે. 150 જેટલી ફરિયાદો હોવા છતાં એફઆઈઆર ન નોંધવા બદલ સુરત પોલીસ કમિશનરની ભૂમિકા સામે પણ હાઈકોર્ટે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.


