- ગાંધીનગર પોલીસની કાર્યવાહી
- ઓનલાઈન ગેમિંગ કૌભાંડનો પર્દાફાશ
- 12 લાખ એકાઉન્ટની થશે તપાસ
સમગ્ર દેશમાં ફેલાયેલા ઓનલાઇન છેતરપિંડીના કૌભાંડનો ગાંધીનગર પોલીસે પર્દાફાશ કર્યો છે. આ મામલે પોલીસે કલોલ પાસેથી બે શખસોની ધરપકડ કરી છે. આ શખસો સામાન્ય લોકોને કમિશનની લાલચ આપીને તેમના બેંક એકાઉન્ટનો ઉપયોગ ઓનલાઇન છેતરપિંડીથી મેળવેલા પૈસાની લેવડદેવડ માટે કરતા હોવાનું ખુલ્યું છે. પોલીસને તેમના જપ્ત કરાયેલ મોબાઇલમાંથી 25 જેટલી ટેલીગ્રામ ગ્રુપની અલગ અલગ ચેનલની લીંક મળી આવી છે. જે પૈકી બંને શખસો પાંચ જેટલા ટેલીગ્રામ ગ્રુપ સાથે જોડાયેલા હોવાનું ખુલ્યું છે.
એક ગ્રુપમાં 1200 સભ્યો છે. જે સભ્યો દ્વારા મુંબઇમાં બેઠેલા અલી નામના માસ્ટરમાઈન્ડને બેંક એકાઉન્ટ પ્રોવાઇડ કરાવતા હતા અને તેના મારફત કમિશન મેળવતા હતા. જે ગણતરીએ માત્ર આ પાંચ ગ્રુપના છ હજાર સભ્યો દ્વારા જ સમગ્ર દેશમાંથી 12 લાખ જેટલા બેંક એકાઉન્ટ કમિશનની લાલચ આપી ખોલાવાયા હોવાની પોલીસને આશંકા છે. આ સ્થિતિમાં ઓનલાઇન છેતરપિંડીનો આંકડો કરોડો નહીં પરંતુ અબજોમાં પહોંચે તેવી સંભાવના છે. પોલીસને એક બેંક એકાઉન્ટમાં માત્ર છેલ્લા બે મહિનામાં જ 44 લાખના વ્યવહાર થયાનું જણાયું છે.
આ કૌભાંડની જાળ સમગ્ર દેશમાં ફેલાયેલી છે. પરંતુ તેના તાર વિદેશમાં નીકળે તેવી પણ શક્યતા જોવાઇ રહી છે. કલોલ પાસેથી ઝડપાયેલા બે શખસો માત્ર નાના પ્યાદાઓ છે. જ્યારે માસ્ટરમાઇન્ડ અલી નામનો શખસ સમગ્ર રેકેટને મુંબઇથી ઓપરેટર કરતો હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર એલસીબીએ કલોલ પાસેથી મહંમદ ઇસ્માઇલ નિયામતઅલી સૈયદ તથા તેના સાગરિત સરફરાઝ રફિક મલેકને ઝડપી લીધા હતા. આ શખસો કલોલ અને આસપાસના પંથકના ગરીબ અને મધ્યમવર્ગના લોકોને કમિશનના બદલામાં ઓનલાઇન ગેમિંગના પૈસાની લેવડદેવડ માટે બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવા દેવાની લાલચ આપતા હતા. જેમાં તેઓએ અત્યાર સુધીમાં 200 જેટલા લોકોના બેંક એકાઉન્ટ ઓપન કરાવ્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે. પોલીસે ચાર મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મોબાઈલમાંથી ૨૫ જેટલા ટેલીગ્રામ ગ્રુપના ડેટા મળી આવ્યા છે.
જે પૈકી 5 ટેલીગ્રામ ગ્રુપમાં ઉપરોકત શખસો સભ્યો હોવાનું ખુલ્યું છે. આ મામલે ગાંધીનગર રેન્જ આઇજી વિરેન્દ્રસિંહ યાદવે જણાવ્યું હતું કે, કમિશનની લાલચ આપી ખોલાયેલા બેંક એકાઉન્ટની વિગતો આ શખસો ટેલીગ્રામના ઉપરોક્ત ગ્રુપમાં શેર કરતા હતા. જે ડાયરેક્ટ મુંબઇ બેઠેલા અલી નામના શખસને મળતા હતા. અલી ત્યારબાદ આ શખસોને પોતાના મોબાઇલ નંબર આપીને ઉપરોક્ત બેંક એકાઉન્ટ સાથે મોબાઇલ નંબર લીંક કરાવતો હતો અને ત્યારબાદ નોકરીની લાલચ, સહિતની વિવિધ પ્રકારના પ્રલોભનો આપીને લોકો સાથે ઓનલાઇન કરાતી છેતરપિંડીથી મેળવેલા નાણાં ઉપરોક્ત બેંક એકાઉન્ટોમાં જમા કરવામાં આવતા હતા. જે સભ્યે બેંક એકાઉન્ટ પ્રોવાઇડ કરાવ્યા હોય તેને અલી પૈસાના ટ્રાન્જેક્શન પ્રમાણે બે ટકા કમિશન પણ આપતો હતો. ઝડપાયેલા શખસોના કબજામાંથી મળી આવેલા મોબાઇલમાં ટેલીગ્રામ એપમાં ઇન્ડિયન બેંક એકાઉન્ટ સર્ચ કરતા સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો હતો.
બેંક ખાતેદારોને નોટિસોનો ધોધ વહેતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો.
સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવા પોલીસે છેલ્લા બે માસથી કલોલ પંથકમાં ધામા નાખ્યા હતા. રેન્જ આઇજી વિરેન્દ્રસિંહ યાદવને બાતમી મળી હતી કે, કલોલ પંથકમાં કેટલાક લોકોના બેંક એકાઉન્ટ ફ્રિઝ થયા છે અને તેમને દેશના વિવિધ સ્થળોએથી પોલીસની નોટિસો મળી રહી છે. જેને ગંભીરતાથી લઇ રેન્જ આઇજીએ એલસીબી-1ની ટીમોને મેદાનમાં ઉતારી હતી. રેન્જ આઇજી વિરેન્દ્રસિંહ યાદવે જણાવ્યુ હતુકે, કેટલાક કિસ્સામા આ શખસો બેંક એકાઉન્ટમાંથી રોકડ નાણા પણ ઉપાડી લેતા હતા. ત્યારબાદ તેઓ આંગડિયા મારફત આ નાણા અન્યત્ર મોકલતા હતા. એક વ્યવહારમાં જુહાપુરાની એક આંગડિયા પેઢીમાંથી દુબઇ પૈસા મોકલવામાં આવ્યા હોવાનું પણ પોલીસની તપાસમાં ખુલ્યુ છે.


