- ગોંડલના ગુંદાળા રોડે આગ
- ભીષણ આગ લાગતા ફાયર બ્રિગેડનો કાફલો પહોંચ્યો
- પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી
ગુજરાતમાં આગ લાગવાની ઘટનામાં હાલના દિવસોમાં વધારો નોંધાયો છે. આવી જ ઘટનાની માહિતી હાલમાં ગોંડલ વિસ્તારમાંથી સામે આવી રહી છે. અહીં ગુંદાળા રોડ પર આવેલી ખેડૂત ફીડ એન્ડ ફૂડ્સ નામની ઈન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.
મહત્વનું છે કે આ આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ એક માહિતી પ્રમાણે હાલ રાહતની મોટી વાત એ છે કે આ મામલે કોઈ પણ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. જો કે અગમ્ય કારણોસર લાગેલી આ આગમાં લાખો રૂપિયા સ્વાહા થઈ ગયા હોય એવી આશંકા છે એટલે કે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની સંભાવના છે.
આ ઘટનાની માહિતી પ્રમાણે ગોંડલના ગુંદાળા રોડ પર આવેલી ખેડૂત ફીડ એન્ડ ફૂડ્સ નામની ઈન્ડસ્ટ્રીઝમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેમાં ભીષણ આગ લાગતા ફાયર બ્રિગેડનો સ્ટાફ પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. ફાયરવિભાગના કર્મચારીઓએ આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો અને આખરે ભારે જહેમત પછી આગ પર કાબૂ મેળવી લેવાયો હોવાની જાણકારી પણ સામે આવી છે.
આગની ઘટનાના પગલે વાહન શાખાના ચેરમેન રફીકભાઈ કયડા, ફાયર ઓફિસર સુરેશભાઈ મોવલિયા સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અત્યાર સુધીની માહિતી પ્રમાણે આગની ઘટનામાં કોઈ હતાહત થયું હોવાની જાણકારી તો પ્રાપ્ત થઈ નથી જે મોટી રાહતની વાત છે પરંતુ આ ભીષણ આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની ભીતિ સેવાઈ રહી છે.


