- ભીડ કંટ્રોલ કરવા પોલીસ ફોર્સ બોલાવાની ફરજ પડી
- ભારે ભીડના કારણે અનેક યાત્રીઓના શ્વાસ રૂંધાયા
- એક યાત્રીને 108 મારફતે સારવાર માટે ખસેડાયો
સુરતમાં તહેવારોના કારણે ભારે ભીડ જોવા મળી રહી છે. જેમાં ઔદ્યોગિક શહેરમાં અનેક રાજ્યના લોકો રોજગારી મેળવવા માટે આવતાં હોય છે ત્યારે દિવાળીના તહેવારને લઈને લોકો પોતાના મૂળ વતન તરફ જતાં હોય છે. આ વચ્ચે સુરત રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે આજે ચાર થી પાંચ લોકો બેભાન થયા હતા અને 1 વ્યક્તિને સારવાર માટે 108 માં ખસેડવો પડ્યો હતો, જેનું મોત થયું હોવાની વિગતો સામે આવી રહી છે.
એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો
આ સમગ્ર ઘટના અંગે રેલવે ACP એ જણાવ્યું કે, અગાઉથી પૂરતી વ્યવસ્થા કરાઇ હતી પરંતુ ભારે ભીડના કારણે મુશ્કેલી ઊભી થઈ હતી. તેમજ RPF કર્મચારીઓ પણ હાજર જ હતા. આ ઉપરાંત પોલીસકર્મીઓ પણ તૈનાત જ હતા તેમ છતાં ભારે ભીડના કારણે દુર્ઘટના બની છે.
રેલવે પોલીસ દ્વારા તમામ વ્યવસ્થા છતાં ભીડ બેકાબુ
છેલ્લા થોડાં દિવસોથી સુરત રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે રેલવે પ્રશાસન દ્વારા પોલીસની મદદ લેવામાં આવી હતી. જેના અંગે રેલવે ACP એ જણાવ્યું કે, તહેવારને કારણે ભીડ વધારે જ હતી અને તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ લાઇન કરાવીને અમે ટ્રેનમાં એન્ટ્રી આપતા હતા.
આ દરમિયાન સ્ટેશન પર ભારે ભીડના કારણે લોકોના શ્વાસ રૂંધાયા હોવાની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. એટલું જ નહીં ભીડ કંટ્રોલ કરવા પોલીસ ફોર્સ બોલાવાની ફરજ પડી હતી. તેમજ સ્ટેશન પર કેટલાંક મુસાફરોને CPR આપવાની પણ ફરજ પડી હતી. જ્યારે એક યાત્રીને 108 મારફતે સારવાર માટે ખસેડાયો હોવાની પણ માહિતી સામે આવી છે.
દર વર્ષે કેપેસિટી કરતાં વધુ મુસાફરો પહોંચે છે
સુરત રેલ્વે સ્ટેશનની સ્થિતિ કફોડી બની રહી છે. સુરતમાં મુખ્યત્વે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ અને છત્તીસગઢથી લઈ ઓરિસ્સા જેવા રાજ્યોના લોકો વસવાટ કરતાં હોય છે. આ વચ્ચે રેલવે સ્ટેશન પર પોતાના મૂળ વતન જવા માટે 1700ની કેપેસિટી ધરાવતી ટ્રેનમાં 5000થી વધુ પેસેન્જર્સ મુસાફરી કરવા મજબૂર બન્યા છે.
સુરત રેલવે સ્ટેશને છપરા જતી તાપી ગંગા એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરવા માટે મોટી સંખ્યામાં પરપ્રાંતિયો સુરત રેલવે સ્ટેશન જમા થઈ રહ્યા છે. એટલું જ નહીં જનરલ કોચમાં બેસવા માટે પેસેન્જર્સ 24થી 48 કલાક લાઈનમાં ઊભા રહ્યા હતા. જોકે, આ લાંબા સમયના ઈંતજાર બાદ પણ બેસવાની જગ્યા મળી નહોતી. કેટલાક પેસેન્જર્સને બારીમાં તો કેટલાકને શૌચાલયમાં બેસવાની ફરજ પડી છે.
કેટલાક મુસાફરો તો એવા પણ છે કે જેમની પાસે ટિકિટ હોવા છતા ટ્રેનમાં જગ્યાના અભાવે મુસાફરી કરી ન શક્યા. ટિકિટ લઈને ઊભેલા મુસાફરો ટ્રેનમાં ભીડને પરિણામે ટ્રેનમાં ચડી જ ન શક્યા. 1700ની કેપેસિટી ધરાવતી ટ્રેનમાં 5000થી વધુ પેસેન્જર્સ સવાર હોવાથી ટિકિટ લઈને 24થી 48 કલાક લાઈનમાં ઊભેલા પેસેન્જર્સ ટ્રેનમાં ચડી શક્યા ન હતા.


