- સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓના ઘોડાપૂર
- 4 લાખથી વધુ મુસાફરોએ મુલાકાત લીધાનો અંદાજ
- હજુ પણ વધુને વધુ વિકસી રહ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી
દિવાળીના તહેવારોને પગલે એક મીની વેકેશન જેવો માહોલ રચાઈ જતો હોય છે. લોકો ખાસ દૂર દૂરની ટૂર બુક કરાવતા હોય છે. દેશમાં અંદરના સ્થળોમાં તો ઘણાં લોકો વિદેશની ટૂર પણ લેતા હોય છે, ત્યારે ઘણાં ગુજરાતીઓ હવે ઘરઆંગણે એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમટી રહ્યા છે. એક અંદાજ મુજબ અહીં અત્યાર સુધીમાં 4 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે.
ગુજરાતીઓ એટલે હરવા ફરવાના અને સ્વાદ શોખીન પ્રજા અને તેમાં પણ દિવાળીનો તહેવાર હોય એટલે ગુજરાતીઓને જાણે જલસો પડી જાય. લોકો દિવાળી સહિતના મીની વેકેશનમાં સૌથી વધુ હરવા ફરવાના અને પ્રવાસના આયોજનો કરતા હોય છે. તેમાં પણ કેવડિયાએ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રમાં સૌથી ચમકતા તારા સમાન છે અને દર વર્ષે કોઈપણ કોઈપણ તહેવાર હોય સૌથી વધુ લોકો કેવડિયામાં જ ફરવા જતા હોય છે. તેવામાં હાલ દિવાળી વેકેશનને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. હાલના દિવસોમાં ગુજરાતીઓની મોટી ભીડ કેવડિયા અને એકતાનગર ખાતે ઉમટી રહી છે. સરદાર પટેલનું દુનિયાનું સૌથી ઊંચું સ્ટેચ્યુ અને આજુબાજુના અન્ય આર્કષણોથી સજ્જ આ વિસ્તાર હાલમાં ગુજરાત જ નહીં પરંતુ આસપાસના ઘણાં રાજ્યોના યાત્રાળુઓ માટેનું એક મનપસંદ સ્થળ બની ગયું છે. એક રીતે આ હાલ ગુજરાતીઓનું સૌથી પસંદગીનું પ્રવાસન ધામ બનીને ઉપસી આવ્યું છે.
પ્રવાસીઓના ભારે ઘસારાને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હોટલો અને ટેન્ટ સિટી હાઉસફુલ જોવા મળી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વેકેશનમાં પ્રવાસીઓ દોડી રહ્યા છે. જેને લઇને અહીં જોરદાર નજારો જોવા મળી રહ્યો છે. બીજી બાજુ લોકોની ભીડને લઇને વહીવટી તંત્ર દ્વારા પણ તૈયારીને આખરી ઓપ અપાયો છે. હાલ 4 લાખથી વધુ પ્રવાસીઓ આવ્યાનો અંદાજ લગાવાઈ રહ્યો છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરકાર દ્વારા વિકાસના અને પ્રવાસનની સુવિધાઓ વિકસાવવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. ખાસ કરીને અહીંની કનેક્ટિવિટીના ઘણાં ઓપશન્સ પ્રવાસીઓને મળી રહે છે. ટ્રેન, મોટર અથવા બસ દ્વારા પણ સહેલાઈથી કેવડિયા ખાતે પહોંચી શકાય છે. તેમજ મીની વેકેશન હોય તો નજીકના સ્થળોએ પરિવાર સાથે ફરવા જવા માટે હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી એ ગુજરાતીઓનું મનપસંદ સ્થળ બની રહ્યું છે.


