- માલવણ દારૂ સગેવગે કરવાના કેસના આરોપીઓના પરિવારજનોની ન્યાયિક તપાસની માંગ
- અંગત રાગદ્વેષ રાખી નિર્દોષની સંડોવણી કરાઈ હોવાની રાવ
- ચારેય સામે છેતરપિંડી અને પ્રોહીબીશનની કલમો સાથે ફરીયાદ નોંધાઈ
બજાણા પોલીસ મથકના નાશ થનાર દારૂમાંથી દારૂની બોટલો સગેવગે કરવા બાબતે ત્રણ પોલીસ કર્મી અને એક જીઆરડી જવાન સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે અંગત રાગદ્વેષ રાખી આ ફરીયાદ કરી નિર્દોષોની સંડોવણી થઈ હોવાની રાવ સાથે કલેકટર કચેરીમાં રજૂઆત કરી ન્યાયીક તપાસની માંગ કરી હતી.
બજાણા પોલીસે છેલ્લા કેટલાક સમયમાં ઝડપેલ વિદેશી દારૂ પોલીસ મથકના કમ્પાઉન્ડમાં રહેલ ડમ્પર અને આયશર ટ્રકમાં નાશ કરવા માટે તાજેતરમાં રાત્રે ભરાતો હતો. આ સમયે અમુક પોલીસ કર્મીઓ આ દારૂ સગેવગે કરતા હોવાની એસપીને બાતમી મળતા એલસીબી ટીમને મોકલતા પોલીસ લાઈનના કમ્પાઉન્ડમાં રાખેલ આ દારૂ બજાણા પોલીસ મથકના કર્મચારી ક્રીપાલસીંહ જશવંતસીંહ ચાવડા, ભાવેશ જયંતીલાલ રાવલ અને ગોવીંદ મયાભાઈ તથા જીઆરડી કર્મી યોગેશ કાળુભાઈ મેરાણી અન્ય પોલીસ કર્મીઓની નજર ચુકવી વીવીધ વાહનોમાં 206 બોટલ દારૂ લઈ જતા ઝડપાયા હતા. જયારે 214 બોટલ દારૂ લઈ ગયા હતા. બીજી તરફ પોલીસ મથકમાં રાખેલ અન્ય મુદ્દામાલની ગણતરી કરતા 606 દારૂની બોટલ કિંમત રૂ. 1,88,560ની ઘટ જણાઈ આવી હતી. જયારે મુદ્દામાલ રૂમની આજુબાજુમાં, પોલીસ લાઈનની પાછળના ભાગે, પોલીસ લાઈનના પંપરૂમની બાજુમાંથી છુટી છવાઈ દારૂની 205 બોટલ કિંમત રૂ. 90,500નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આથી ચારેય સામે છેતરપિંડી અને પ્રોહીબીશનની કલમો સાથે ફરીયાદ નોંધાઈ હતી. ત્યારે ગુરૂવારે પોલીસ કર્મીઓના પરીવારજનો અને સમાજે કલેકટર કચેરીમાં લેખીત રજૂઆત કરી હતી.


