- જયપુરમાં સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા
- ઘરમાં ઘૂસીને હુમલાખોરોએ કર્યું ફાયરિંગ
- પોસ્ટ કરી રોહિત ગોદરાએ જણાવ્યું કારણ
જયપુરમાં મંગળવારે ધોળાદિવસે કેટલાંક હુમલાખોરોએ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરી દીધી. હુમલાખોરોએ ગોગામેડીને જયપુરમાં તેમના નિવાસસ્થાને નિશાન બનાવ્યા હતા. હત્યાકાંડમાં એક હુમલાખોરનું પણ મોત થયું છે. તો, ગેંગસ્ટર રોહિત ગોદરાએ સુખદેવ સિંહની હત્યાની જવાબદારી લીધી છે. એટલું જ નહીં, રોહિતે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા હત્યાનું કારણ પણ જાહેર કર્યું છે.
સુખદેવ દુશ્મનો સાથે મળેલા હતા: રોહિત ગોદરા
રોહિત ગોદારા લોરેન્સ બિશ્નોઈ ગેંગનો મેમ્બર છે. રોહિતે સોશિયલ મીડિયામાં એક પોસ્ટમાં લખ્યું છે કે, ‘તમામ ભાઈઓને રામ રામ, હું રોહિત ગોદારા કપૂરસરી, ગોલ્ડી બ્રાર ભાઈઓ, અમે આજે સુખદેવ ગોગામેદીની હત્યાની સંપૂર્ણ જવાબદારી લઈએ છીએ, અમે જ આ હત્યા કરાવી છે. હું કહેવા માંગુ છું કે સુખદેવ આપણા દુશ્મનો સાથે મળેલા હતા અને તેમને સહકાર આપતા હતા, તેઓ તેમને સંપૂર્ણ રીતે મજબૂત કરતા હતા અને જ્યાં સુધી વાત છે આપણાં દુશ્મનોની તો તેઓ પોતાના ઘરના આંગણે પોતાની અર્થી તૈયાર રાખે.
ગોગામેડીને મારવામાં આવી 4 ગોળી, સારવાર દરમિયાન મોત
જયપુર પોલીસે જણાવ્યું કે મંગળવારે બપોરે ચાર-પાંચ હથિયારધારી શખ્સોએ શ્યામનગર વિસ્તારમાં ગોગામેડીના ઘરમાં ઘૂસી ગયા અને ગોળીબાર કર્યો હતો. સુખદેવ ગોગામેડી, તેમનો એક ગાર્ડ અને અન્ય એક વ્યક્તિ ગોળીબારમાં ઘાયલ થયા હતા. જયપુરના પોલીસ કમિશનર બીજુ જ્યોર્જ જોસેફે સારવાર દરમિયાન ગોગામેડીના મૃત્યુની પુષ્ટિ કરી હતી. ઘટના બાદ તરત જ પોલીસે જયપુરમાં નાકાબંધી કરી દીધી છે.


