એસ.ટી.ની આઠથી વધુ બસની ટ્રીપ દોડે છે, ટૂંક સમયમાં નિર્ણય
રાજકોટ શહેરથી ૩૫ કી. મી.દૂર આંતરાષ્ટ્રીય એરપોર્ટ મળ્યા બાદ ત્યા પહોચવામાં મુશ્કેલી થશે તેવું લાગી રહ્યુ હતું. પરંતુ રાજકોટ એસટી વિભાગ દ્વારા બસપોર્ટથી દર બે કલાકે એરપોર્ટની એસટી બસ દોડાવતા મુસાફરોને રાહત થઈ હતી અને હવે તેમાં પણ વધારો કરવા બંને તંત્ર વચ્ચે વિચારણા ચાલી રહી છે.
રાજકોટ સીટીથી એરપોર્ટ જવા માટે સવારે ૬ વાગ્યાથી દર બે કલાકે એરપોર્ટ જવા માટે એસટી બસ મળી રહે છે. તેવી રીતે જ એરપોર્ટથી રાજકોટ આવવા માટે સવારે ૭ વાગ્યાથી દર બે કલાકે એસટી બસ મળી રહે છે. આ તમામ બસો ફ્લાઈટની ફ્રિક્વન્સી પ્રમાણે ચાલતી હોવાથી મુસાફરોને એરપોર્ટ સુધી પહોચવા માટે રાહત રહે છે અને પ્રાઈવેટ ટેક્સીના ભાડા પણ ચૂકવવા પડતા નથી. તે ઉપરાંત રાજકોટથી અમદાવાદ જતી અને આવતી બસોનું સ્ટોપ પણ એરપોર્ટ પાસે કરતા મુસાફરોને તેનો પણ લાભ મળે છે. તો આવનારા સમયમાં આ સુવિધા વધુ સારી બને તે માટે હાલ એરપોર્ટ ઓથોરિટી અને રાજકોટ એસટી વિભાગ વચ્ચે વિચારણા ચાલી રહી છે. જેથી આવનારા દિવસોમાં એરપોર્ટ જતા મુસાફરો માટે બસમાં વધારો કરી વધુ સુવિધા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે.


