- આંતરિક બઢતી-બદલીનો નિર્ણય
- પંચાયત વિભાગ દ્વારા લેવાયો નિર્ણય
- વહીવટી તંત્ર અધિકારીઓની બદલીના આદેશો
ગુજરાત સરકાર દ્વારા લોકસભા ચૂંટણી પહેલા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 164 જેટલા તાલુકા વિકાસ અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. અને 19 તાલુકા વિકાસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે.
સામાન્ય રીતે કોઈ પણ ચૂંટણી હોય અથવા કોઈ મોટી ઈવેન્ટ યોજાવાની હોય અથવા નવી સરકારની વરણી થઈ હોય ત્યારે વહીવટી તંત્ર સાથે અનુકૂલન સાધવા માટે આંતરિક સ્તરે સરકાર દ્વારા અમુક નિર્ણયો લેવામાં આવતા હોય છે. જેમાં ખાસ કરીને રાજ્યના અધિકારીઓ-કર્મચારીઓના બઢતી અને બદલીને લગતા આદેશો જાહેર કરવામાં આવતા હોય છે. ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં રાજ્ય સરકારનાં પંચાયત વિભાગ દ્વારા રાજ્યમાં વિવિધ ફરજ બજાવતા TDO ની બદલી તેમજ બઢતી સાથે પ્રમોશન આપવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકાર દ્વારા સચિવાયલથી લઈ તાલુકા તેમજ જીલ્લા કક્ષાએ મોટા પાયે બદલીઓ કરવામાં આવી રહી છે.
રાજ્ય સરકાર દ્વારા જે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, તે તાલુકા વિકાસ અધિકારીઓને લઈને લેવામાં આવ્યો છે. ગાંધીનગર પંચાયત વિભાગે રાજ્યમાં તાલુકા કક્ષાએ ફરજ બજાવતા 164 તાલુકા વિકાસ અધિકારીઓનાં બદલીનાં આદેશ કર્યો છે. જ્યારે 19 તાલુકા વિકાસ અધિકારીઓને પ્રમોશન અપાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી લોકસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકાર દ્વારા ક્લાસ-2 નાં અધિકારીઓને બદલી તેમજ બઢતી આપવામાં આવી છે. ત્યારે હવે આગામી સમયમાં કલેક્ટર તેમજ પોલીસ બેડામાં પણ મોટા પાયે બદલીઓનો ગંજીપો ચીપાશે તેવું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. થોડા સમય અગાઉ રાજ્ય સરકાર દ્વારા GAS કેડરનાં અધિકારીઓની મોટા પ્રમાણમાં બદલી કરી હતી. જેમાં મહેસુલ વિભાગનાં GAS કેડરનાં વર્ગ-1 નાં 69 અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી.
આમ લોકસભા ચૂંટણી પહેલા મોટા પાયે હાલમાં સરકારમાં અધિકારીઓની બઢતી અને બદલીના આદેશો થઈ રહ્યા છે. ત્યારે હજુ પણ આગામી દિવસોમાં આવા અમુક રાઉન્ડના નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે.


