સાબરકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને શિયાળાની ઠંડીમાં જંગલી પશુઓ ખોરાક શોધવા માટે આમથી તેમ ભટકી રહ્યા છે ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી ઈડર તાલુકાના ઝુમસર ગામની સીમમાં જંગલી જાનવર તરીકે ઓળખાતો દીપડો દિવસે અને રાત્રે સીમાડાઓમાં તથા માનવ વસ્તી તરફ ભટકી રહ્યો છે ત્યારે એક સપ્તાહમાં આ દીપડાએ ત્રણથી વધુ પશુનું મારણ કરતા પશુપાલકોમાં ભય વ્યાપ્યો છે. અને સત્વરે આ દિપડાને વનવિભાગ દ્વારા પાંજરે પુરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આ અંગેની વિગત એવી છે કે, સાબરકાંઠા જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે ખેડૂતોએ ઘઉં અને બટાકાનું વાવેતર કરી દીધું છે ત્યારે આ ખેડૂતો રાત્રે અથવા દિવસે ખેતરોમાં જાય છે. દરમિયાન કેટલાક ખેડૂતોએ પોતાના ખેતરમાં અથવા તો ઘર આગળ પશુઓને રાખવા માટે તબેલો બનાવ્યો છે ત્યારે છેલ્લા એક અઠવાડીયાથી ઝુમસર ગામે દેખાતા દીપડાએ ત્રણથી વધુ પશુઓનું મારણ કર્યું હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે. સતત ભમી રહેલા આ દીપડાને કારણે ખેડૂતો તથા સીમ કૂવા પર રહેતા પરિવારોમાં ભય ફેલાઈ રહ્યો છે જેથી પશુઓનું મારણ કરી અન્ય જીવોને રંજાડતા આ દીપડાને વનવિભાગે પકડી પાંજરે પુરી દેવો જોઈએ અને તેને દુર મોકલી દેવાની માંગ ઉઠવા પામી છે.
https://sandesh.com/maru-saher-maru-gaam
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


