કડીમાં છ વર્ષ અગાઉ રાતના સાડા અગિયાર વાગે ચબુતરા ચોકમાં રોયલ જનરલ સ્ટોર નજીક કેટલાક શખસોએ ક્રેટા ગાડીમાંથી આવીને યુવકને પકડીને ગાડીમાંથી બહાર કાઢી તેની ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર ઈજાઓ પહોંચતાં અમદાવાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજયું હતું. મહેસાણાની પાંચમી એડીશનલ સેશન્સ કોર્ટે આ કેસમાં 7 આરોપીઓને આજીવન કેદની સજા અને રૂ.20 હજારનો દંટ ફટકાર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મરણ પામેલ શરીફખાન શેખ ઉપર પ્રેમ લગ્નની અદાવત રાખી આરોપીઓએ હાથ-પગ, બરડા અને માથાના ભાગે આડેધડ લોખંડની પાઈપો ફટકારતાં મોત થયું હતું.
કડી કસ્બા અલાઈવાડો જુમ્મા મસ્જીદ સામે શરીફખાન શેખ મહેસાણાથી વાયા ધનાલી થઈ જાસલપુર નજીકથી પસાર થતો હતો ત્યારે પીકઅપ ડાલાની ટક્કર મારી તેની સ્વીફટ કારને અકસ્માત કર્યો હતો. શરીફખાનની સ્વીફગાડી બાજુમાં પડેલ ઊંટલારીને અથડાઈને બંધ પડી ગઈ હતી. એ સમયે ક્રેટા ગાડીમાંથી મલેક ઈરફાન ઉર્ફે ગીરી સલીમભાઈ તથા કાજી અલ્ફાજ ઉર્ફે મકો ઈસુફભાઈ સહિતના શખસોએ તલવારથી ગાડી ઉપર હુમલો કર્યો હતો. જેથી મૃતક સાથે રહેલ ચિશ્તી મોઈનમીયાં કાલુમીયાં ગાડીમાંથી ઉતરી ભાગી ગયેલ જયારે મૃતક શરીફખાન ભાગવા જતાં તેને પકડીને ક્રેટા ગાડીમાં બેસાડી કડીના ચબુતરા ચોક ખાતે લઈ ગયા હતા. જયાં લોખંડની પાઈપો હાથ-પગ, બડરા અને માથાના ભાગે આડેધડ મારતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત શરીફખાનને રિક્ષામાં બેસાડી કડી ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. ગંભીર ઈજાઓ થતાં વધુ સારવાર માટે અમદવાદ હોસ્પિટલમાં લઈ ગયા હતા.
જ્યાં સારવાર દરમિયાન શરીફખાનનું મોત નિપજયું હતું. આ કેસ મહેસાણાની પાંચમા એડીશન સેશન્સ કોર્ટેમાં ચાલી જતાં સરકારી વકીલ અશોકભાઈ મકવાણાએ દલીલો તેમજ સાક્ષી અને પુરવાના આધારે ગુનો સાબિત થયો હતો. આ પુરાવાઓ અને સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખીને સેશન્સ કોર્ટનાં ન્યાયાધીશ રમેશકુમાર બાબુભાઈ ઈટાલીયાએ સાતેય આરોપીઓને આજીવન કેદની સજા અને રૂ.20 હજારનો દંડ ફટકાર્યો હતો.


