આતંકી નેટવર્કની અમદાવાદ યુનિટ ઊંડાણપૂર્વક તપાસ કરશે : ઇન્ટરનેશનલ કડીઓ રડારમાં
ગુજરાત ATSએ પકડેલા 3 આતંકી કેસમાં મોટો વળાંક આવ્યો છે. આતંકીઓ પાસેથી ઘાતક રાઇઝિન ઝેર અને હથિયારો કબજે કરાયા બાદ કેસની ગંભીરતા ધ્યાનમાં લઈને કેન્દ્રીય ગૃહ વિભાગે તપાસ NIAને સોંપવાનો આદેશ આપ્યો છે. હવે NIAની અમદાવાદ યુનિટ આ આતંકી નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરશે.
નવેમ્બર 2025માં ગુજરાત ATSએ આતંકી ડો. અહેમદ સૈયદ, આઝાદ સુલેમાન અને સુહૈલની UAPA હેઠળ ધરપકડ કરી હતી. તપાસમાં ખુલ્યું કે ત્રણેય ISKP હેન્ડલર અબુ ખદીજા સાથે સંપર્કમાં હતા અને તેના ઇશારે હથિયારોની હેરાફેરી તથા રાઇઝિન ઝેર બનાવવાની પ્રવૃત્તિમાં સંડોવાયેલા હતા.
તપાસ મુજબ, વોન્ટેડ આતંકી હેન્ડલર અબુના આદેશ બાદ ખોરાક કે પાણીમાં રાઇઝિન ઝેર ભેળવી મોટા પાયે જાનહાનિ કરવાનો ષડયંત્ર ઘડાયું હતું. સુરક્ષા એજન્સીઓએ સમયસર કાર્યવાહી કરીને ભયાનક ઘટનાને અટકાવી છે, જ્યારે હવે NIA આ કેસમાં આંતરરાષ્ટ્રીય કડીઓ અને નાણાકીય નેટવર્કની પણ તપાસ કરશે.
અગાઉ ગુજરાત કે દેશના કોઈ ભાગમાં મોટો આતંકીવાદી હુમલો કરવાની તૈયારીમાં રહેલા ISISના ત્રણ આતંકીઓને ગુજરાત ATSએ ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા ત્રણ આરોપીઓ પૈકીના એક ડો. સૈયદ અહેમદનો ખતરનાક ઈરાદો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ચીનમાં તબીબી અભ્યાસ કરનાર ડો. સૈયદના પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્ક હતા. તે સાઈનાઈડથી ખતરનાક ઝેર બનાવી રહ્યો હતો. મોટું ફંડ એકત્ર કરી ગુજરાત કે દેશમાં મોટો આતંકી હુમલો કરવાનો તેનો ઈરાદો હોવાનું હતો. ઝડપાયેલા ત્રણેય ISKP(ઇસ્લામિક સ્ટેટ – ખોરાસાન પ્રાંત)થી પ્રભાવિત હોવાનો ઘટસ્ફોટ થયો છે.
ઝડપાયેલા આરોપી અહેમદ મોહ્યુદ્દીન સૈયદ, આઝાદ સુલેમાન શેખ, મોહમ્મદ સુહેદ મોહમ્મદ સલીમ અને વોન્ટેડ આરોપી અબુ ખદીજા સામે ધ અનલોફુલ એક્ટિવિટીઝ(પ્રિવેન્શન) એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા તથા આર્મ્સ એક્ટ હેઠલની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.


