મોડી રાતે ત્રાટકી માતાજીના સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી રૂ.1.81 લાખનો મુદામાલ ઉસેડાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ભરૂડી ગામમાં આવેલ ખોડિયાર માતાજીના મંદિરમાં તસ્કરો દ્વારા કરાયેલી ચોરીએ ભક્તોમાં ભારે રોષ ફેલાવ્યો છે. રાત્રીના અંધકારનો લાભ લઈ મંદિરમાં ઘુસેલા અજાણ્યા તસ્કરોએ માતાજીની મૂર્તિ પર શોભતા કિંમતી દાગીના અને દાનપેટીમાં રહેલી રોકડ રકમ મળી કુલ રૂ.1.81 લાખનો મુદામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
બનાવ અંગે ભરૂડી મેઈન બજારમાં રહેતા અને ખેતી કામ સાથે સંકળાયેલા દિનેશભાઈ વાઘજીભાઈ હરસોડાએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ભરૂડી ગામમાં દાળીયા માર્ગ ઉપર આવેલ ખોડિયાર માતાજીના મંદિરમાં તેઓ દરરોજ સવારના સમયે પૂજાપાઠ કરે છે, જ્યારે સાંજના સમયે તેમના કાકા આંબાભાઈ હરસોડા આરતી કરે છે.
ગઈ તારીખ 3ના રોજ સાંજે લગભગ સાત વાગ્યે નિયમિત રીતે આરતી કરીને મંદિર બંધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બીજા દિવસે વહેલી સવારે દિનેશભાઈ અને તેમની પત્ની ચતુરાબેન મંદિરની સફાઈ અને આરતી માટે પહોંચ્યા હતા. ત્યારે મંદિરની જાળીવાળી ડેલી પાસે ઇંટ મુકેલી નજરે પડતાં શંકા ઉઠી હતી. કાકા આંબાભાઈને બોલાવી લોક ખોલી તપાસ કરતાં ચોરી થયાનું સ્પષ્ટ બન્યું હતું.
મંદિરની અંદર તપાસ કરતા માતાજીની મૂર્તિ પરથી ચાંદીનો મુગટ, મોટા અને નાના ચાંદીના છતર, ચાંદીના ચરણ, સોનાની નથડી, સોનાની ટીલડી, નાના સોનાના છતર તેમજ દાનપેટીમાં રહેલા અંદાજે રૂ.1500 રોકડ ન હોવાનું જણાયું હતું. આજુબાજુ તપાસ છતાં કોઈ વસ્તુ મળી ન આવતા અજાણ્યા તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી હોવાનું નિશ્ચિત થયું હતું.
આ સમગ્ર બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધી લેવામાં આવ્યો છે અને મંદિર ચોરીના ગુનામાં સંડોવાયેલા તસ્કરોને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આજુબાજુના વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજ સહિતના આધાર પર આરોપીઓ સુધી પહોંચવા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.


