જેતલસર રેલ્વે તંત્ર દ્વારા મહત્વના વિભાગો અન્યત્ર ખસેડાતા રોષ; મામલતદારને આવેદનપત્ર પાઠવી ‘રેલ રોકો’ આંદોલનના એંધાણ
અગ્ર ગુજરાત, જેતપુર
સૌરાષ્ટ્રના મહત્વના અને ઐતિહાસિક એવા જેતલસર રેલ્વે જંકશનનું મહત્વ ઘટાડવાના રેલ્વે તંત્રના મનસ્વી નિર્ણયો સામે હવે જનઆક્રોશ ફાટી નીકળ્યો છે. જેતલસર જંકશનના વિવિધ મહત્વના વિભાગોને અન્યત્ર ખસેડીને આ જંકશનને પાયમાલ કરવાના કારસા સામે આજે જેતલસર અને આસપાસના ગ્રામજનોએ જેતપુર મામલતદાર કચેરી ખાતે વિશાળ સંખ્યામાં ઉમટી પડી આવેદનપત્ર પાઠવ્યું હતું. જો આગામી દિવસોમાં આ વિભાગો પુનઃ કાર્યરત કરવામાં નહીં આવે તો ‘રેલ રોકો’ આંદોલન કરવાની આક્રમક ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
જેતલસર જંકશનના બચાવ માટે રચાયેલી સમિતિના સભ્યો અને ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે, રેલ્વે પ્રશાસન દ્વારા જાણીજોઈને જેતલસરની અવગણના કરવામાં આવી રહી છે. વર્ષોથી ધમધમતા લોકોલોબી, બ્રેકડાઉન અને કેરેજ ડિપાર્ટમેન્ટ જેવા મહત્વના વિભાગોને અહીંથી હટાવીને રાજકોટ અને ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યા છે. જેના કારણે સ્થાનિક રોજગારી અને વિસ્તારના વિકાસ પર માઠી અસર પડી રહી છે.
ભાજપ અગ્રણી દિનેશભાઈ ભુવાએ આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “જેતલસરથી વિભાગો ખસેડવાને કારણે રેલ્વે તંત્રને દર મહિને અંદાજે ₹10 થી 12 લાખનું વધારાનું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. અહીં રેલ્વેની પોતાની 10 લાખ ચોરસ મીટર જમીન ઉપલબ્ધ છે અને ક્વાર્ટર્સ સહિતની તમામ સુવિધાઓ છે, તેમ છતાં અધિકારીઓ પોતાની મનમાની ચલાવી આ સેન્ટરને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સ્થાનિક રહીશ મનસુખભાઈ ડાભીના જણાવ્યા અનુસાર, એક સમયે જેતલસર જંકશન પર 10 થી 12 હજારની વસ્તી અને 25 થી વધુ રેલ્વેના વિભાગો કાર્યરત હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે નાના સેન્ટરોને ડેવલપ કરવાની વાત કરી રહ્યા છે, ત્યારે રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ જેતલસર જેવા વ્યૂહાત્મક જંકશનને તોડવાનું કામ કરી રહ્યા છે.
ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો જેતલસર જંકશન બચાવ સમિતિ દ્વારા ઉગ્ર જન આંદોલન અને રેલ રોકો જેવા કાર્યક્રમો આપી રેલ્વેના પૈડાં થંભાવી દેવામાં આવશે.


