એપ્રિલ બાદ રાજકોટની વસતી ગણતરી, આંકડો પહોંચી શકે છે ૨૦ લાખને પાર
૨૦૨૧માં કોરોના કાળના લીધે ગણતરી મોકુફ રખાઇ હતી, ૧૫ વર્ષ બાદ થશે ફરીથી વસતી ગણતરી
રૈયા, નાના મવા, મવડી RMCમાં ભળ્યા બાદ છેલ્લે ૨૦૨૧માં થઇ હતી, એ પછી મુંજકા, માધાપર, મોટા મવા, ઘંટેશ્વર, મનહરપુર, રોણકીનો સમાવેશ થયા બાદ શહેરની વસતીના ગ્રાફની મેટ્રો સિટી તરફ છલાંગ
મનપાની ચૂંટણી પૂરી થયા બાદ સરકારી-ગ્રાન્ડેટ-ખાનગી સ્કુલના શિક્ષકો વસતી ગતણરીમાં જોતરાવા રહે તૈયાર!!
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમા સીમાડા વિસ્તરી રહ્યા છે. અગાઉ રૈયા, નાના મવા, મવડી મનપાની હદમાં ભળ્યા એ પછી. મુંજકા, માધાપર, મોટા મવા, ઘંટેશ્વર, મનહરપુરનો સમાવેશ મહાનગરપાલિકામાં થયો. વર્ષ 2011ની છેલ્લી ગણતરીમાં માત્ર રૈયા, નાનામૌવા અને મવડીનો જ સમાવેશ હતો. એ પછી જે નવા વિસ્તાર ભળ્યા તે સહિત સમગ્ર રાજકોટ મહાનગરપાલિકા હદમાં આવતા વિસ્તારોની વસતી ગણતરી ૨૦૨૧માં થવાની હતી પરંતુ એ વખતે કોવિડ-19ના કારણે 2021માં વસતી ગણતરીનું કામ મુલતવી રાખવામા આવ્યુ હતુ. હવે ફાઇનલી 2026-27માં થવા જઈ રહી છે. સંભવત: મનપાની ચૂંટણી બાદ એપ્રિલ મહિના પછી નવી વસતી ગણતરી શરૂ થવાની છે. 15 વર્ષના અંતરાલમાં રાજકોટની વસતીનો આંકડો 20 લાખની સપાટી ક્રોસ થઇ જશે તેવો અત્યારથી જ પ્રાથમિક અંદાજ મનપાના ચૂંટણી વિભાગના સુત્રોનો છે. તંત્ર દ્વારા હાલમાં આ કામગીરી માટે માઈક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે જેથી આગામી એપ્રિલથી કોઈ પણ અડચણ વગર ડેટા કલેક્શનની પ્રક્રિયા શરૂ કરી શકાય. મોટામૌવા, મુંજકા, માધાપર, ઘંટેશ્વર, મનહરપુર, રોણકી જેવા નવા વિસ્તારોનો સમાવેશ થયા બાદ કુલ 161.86 ચોરસ કિમીમાં ફેલાયેલા રાજકોટની વસ્તી 20 લાખને પાર થવાની શક્યતા છે.
ત્રણ તબક્કામાં હાથ ધરાશે વસ્તી ગણતરી : ચૂંટણી અધિકારી પંચાલ
મનપાની ચૂંટણી શાખાના અધિકારી પ્રણય પંચાલના જણાવ્યા અનુસાર, અગાઉ 2020-૨૦૨૧માં વસ્તી ગણતરી કરવાની હતી પરંતુ કોરોનાને કારણે કામગીરી થઈ નથી. ગણતરી મુખ્યત્વે બે તબક્કામાં વિભાજિત કરવામાં આવી છે.
- પ્રથમ તબક્કો : એપ્રિલ2026 થી સપ્ટેમ્બર 2026 સુધી ચાલશે. આ સમય દરમિયાન ‘હાઉસ લિસ્ટિંગ’ એટલે કે મકાનોની યાદી તૈયાર કરવાની કામગીરી કરવામાં આવશે. આ તબક્કામાં દરેક એરિયા અને વોર્ડના નકશા તૈયાર કરી, ઘરદીઠ પ્રાથમિક વિગતો એકત્રિત કરવામાં આવશે.\
- બીજો તબક્કો : હાઉસ લિસ્ટિંગ તબક્કો પૂર્ણ થયા બાદ બીજો તબક્કો શરૂ થશે,જેમાં સત્તાવાર રીતે ‘પોપ્યુલેશન એન્યુમરેશન’ એટલે વસ્તીની વાસ્તવિક ગણતરી કરવામાં આવશે. આ તબક્કામાં ઘરના નંબરના આધારે દરેક વ્યક્તિની વિગતવાર માહિતી મેળવવામાં આવશે. જેમાં નવા જન્મ થયા હોય તેમજ કોઈના મૃત્યુ થયા હોય તે તમામ માહિતી આવરી લેવામાં આવશે.
- ત્રીજો તબક્કો : ગણતરીના અંતિમ ચરણમાં ખૂબ જ ટૂંકા સમયગાળામાં રખડતા-ભટકતા અને ઘરવિહોણા લોકોનો પણ સમાવેશ કરવામાં આવશે,જેથી શહેરની વસ્તીનો સાચો આંકડો સામે આવશે.
4000 થી વધુ કર્મચારીઓને કામે લગાડાશે
કોલેજ, સરકારી-ગ્રાન્ડેટ સ્કુલના શિક્ષકોને પણ સોંપાશે કામ
આટલી વિશાળ કામગીરી માટે અંદાજે 4000 જેટલા કર્મચારીઓની જરૂરિયાત ઊભી થઈ છે. રાજકોટ મહાનગરપાલિકા પાસે હાલ 4500 જેટલો સ્ટાફ ઉપલબ્ધ છે, પરંતુ માત્ર મનપાના સ્ટાફથી આ કામગીરી પૂર્ણ કરવી શક્ય નહીં હોવાથી કલેક્ટર મારફત અન્ય સરકારી સંસ્થાઓ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, મનપા હસ્તકની શાળાઓ, ગ્રાન્ટેડ શાળાઓ તેમજ વિવિધ સરકારી બેંકોના કર્મચારીઓને અને કલેક્ટર તંત્રનાં કર્મચારીઓને પણ આ ફરજમાં જોડવામાં આવશે.
આ રીતે વિસ્તર્યા રાજકોટના સીમાડા
- વર્ષ1998માં રૈયા, નાનામૌવા અને મવડી જેવા વિસ્તારો ભળતા શહેરનો કુલ વિસ્તાર 86 ચોરસ કિમી થયો હતો.
- જાન્યુઆરી2015માં કોઠારીયા અને વાવડીનો સમાવેશ થતા તે વધીને 21 ચોરસ કિમી થયો હતો.
- છેલ્લે જૂન2020માં મોટામૌવા, મુંજકા, ઘંટેશ્વર, માધાપર અને મનહરપુર-1 જેવા વિસ્તારો ભળ્યા બાદ હાલ રાજકોટ શહેરનો કુલ વિસ્તાર 86 ચોરસ કિમી પર પહોંચ્યો છે.
40 વર્ષમાં વસ્તી 4.44 લાખથી 13 લાખ પહોંચી
- 1981: 4.44લાખ
- 1991: 5.50લાખ
- 2001: 10.00લાખ
- 2011: 13.46લાખ
- અને હવે ૨૦૨૬-૨૭માં પહોંચશે 2૦ લાખને પાર
૨૦3૧ની મનપાની ચૂંટણીમાં બદલશે વોર્ડ સીમાંકન
નવી વસતી ગણતરી બાદ આવતા પાંચ વર્ષ બાદ ૨૦3૧ના અરસામાં જ્યારે રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણી આવશે ત્યારે નવી વસતીના આંકડા મુજબ વોર્ડ સીમાંકન પણ બદલી શકે તેવી પુરી સંભાવના છે. રાજકીય પક્ષો તો આવતા પાંચ વર્ષને ધ્યાનમાં રાખીને જ અત્યારથી જ વોટબેંક અને પ્રભુત્વ જમાવવા માટેની રણનીતિ ગણતરી ગોઠવવા લાગ્યા છે.


