સસ્તા અનાજના દુકાનદારોને રાજય સરકાર કમિશન પેટે હવે રૂ.૧૮૫નું ચૂકવણું કરશે
સરકાર દ્વારા બજેટમાં રૂ.૬૭.૨૦ કરોડની વિશેષ જોગવાઇ કરાઇ : પ્રિ-લિટિગેશન અને સમાધાન કેન્દ્રો સ્થાપવામાં આવશે
અગ્ર ગુજરાત, અમદાવાદ
વર્ષ 2026-27ના બજેટમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગ માટે કુલ રૂ. 2,856 કરોડની ઐતિહાસિક જોગવાઈ કરવામાં આવી છે. જે રાજ્ય સરકારની ગરીબો પ્રત્યેની સંવેદનશીલતા દર્શાવે છે. આ અંગે અન્ન-નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું કે, વર્ષ 2026-27ના બજેટમાં રાજ્યના અંદાજે 75 લાખ NFSA પરિવારોને અન્ન સુરક્ષા પૂરી પાડવા માટે રૂ. 700.63 કરોડની ફાળવણી કરવામાં આવી છે. નાગરિકોના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપતા, સમતોલ આહાર માટે NFSA કાર્ડધારકોને રાહત દરે તુવેર દાળ અને ચણા આપવા માટે રૂ. 841.69 કરોડની જોગવાઈ કરાઈ છે.
નોંધનીય છે કે, વર્ષ 2025-26માં અગાઉના વર્ષની સરખામણીએ કઠોળના વિતરણમાં 28,491 મેટ્રિક ટનનો વધારો નોંધાયો છે. આ ઉપરાંત, આયોડિન અને આયર્નની ઊણપ દૂર કરવા 75 લાખ પરિવારોને માત્ર રૂ. 1 પ્રતિ કિલોના દરે ડબલ ફોર્ટિફાઈડ મીઠું આપવા રૂ. 59.49 કરોડ ફાળવવામાં આવ્યા છે. ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા પારદર્શિતા પારદર્શિતા પર ભાર મૂકતાં તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર નાબૂદ કરવા અને સબસિડીનો સીધો લાભ પહોંચાડવા ટેક્નોલોજીનો વ્યાપ વધાર્યો છે. ગુજરાતે દેશમાં પ્રથમવાર CBDC આધારિત ડિજિટલ ફૂડ કૂપનનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ સિસ્ટમ e-KYC આધારિત હોવાથી બાયોમેટ્રિક નિષ્ફળતા જેવી સમસ્યાઓ હલ થશે. અત્યાર સુધીમાં રાજ્યના 4.23 કરોડ રેશનકાર્ડ સભ્યોનું e-KYC પૂર્ણ કરવામાં આવ્યું છે.
ખેડૂત કલ્યાણની વાત કરતાં તેમણે જણાવ્યું કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. વર્ષ 2025-26માં 40,396 ખેડૂતો પાસેથી વિવિધ ધાન્યની ખરીદી કરી રૂ. 47,494 લાખનું સીધું ચૂકવણું બેંક ખાતામાં કરવામાં આવ્યું છે. શ્રીઅન્ન(મિલેટ્સ)ના વપરાશને પ્રોત્સાહન આપવા માટે બાજરી, જુવાર, રાગી અને મકાઈની ખરીદી પર ખેડૂતોને રૂ. 300 પ્રતિ ક્વિન્ટલ પ્રોત્સાહક બોનસ આપવા માટે રૂ. 36.51 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
અન્ન-પુરવઠા મંત્રીએ કહ્યું કે જાહેર વિતરણ વ્યવસ્થાની મહત્વની કડી એવા 17,000થી વધુ વાજબી ભાવના દુકાનદારોના કમિશનમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. હવે, તેમને રૂ. 150ના બદલે રૂ. 185 પ્રતિ ક્વિન્ટલ કમિશન ચૂકવવામાં આવશે. આ માટે રૂ. 67.20 કરોડની વિશેષ જોગવાઈ અલગથી કરાઈ છે.
‘સજાગ ગ્રાહક, સુરક્ષિત ગુજરાત’ના મંત્ર સાથે ગ્રાહકોના હિતોના રક્ષણ માટે નવીન પહેલ કરવામાં આવી છે. રાજ્યના દરેક જિલ્લામાં ગ્રાહક તકરાર નિવારણ આયોગોમાં ‘પ્રિ-લિટિગેશન અને સમાધાન કેન્દ્રો’ સ્થાપવામાં આવશે. જેથી ફરિયાદોનો કોર્ટની લાંબી પ્રક્રિયા વિના ઝડપી ઉકેલ આવશે.
વધુમાં, કાયદાકીય માપ વિજ્ઞાન તંત્રની કામગીરીને વધુ પારદર્શક બનાવવા ઈન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ (IFP) કાર્યરત કરાયું છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું
અંદાજપત્રમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગ માટે રજૂ કરવામાં આવેલી મહત્ત્વની નવી દરખાસ્તો અને સુધારાઓ
- પેકેજ્ડ વિતરણ વ્યવસ્થા: તુવેર દાળ, ચણા અને ખાંડના વિતરણમાં પારદર્શિતા વધારવા અને ફરિયાદો ઘટાડવા માટે હવેથી છૂટકને બદલે 1 કિલોગ્રામના પ્રમાણિત પેકિંગમાં વિતરણ કરવામાં આવશે
- અન્નપૂર્તિ (Grain ATM): 24×7 અનાજ મળી રહે તે માટે ‘મેડ ઈન ગુજરાત’ ગ્રેઈન એટીએમની સુવિધા શરૂ કરાશે. જેમાં લાભાર્થી માત્ર 35 સેકન્ડમાં 25 કિલો અનાજ મેળવી શકશે. આ માટે રૂ. 10 કરોડની જોગવાઈ
- કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઈન્ડેક્સ (CRI): વિશ્વમાં પ્રથમવાર કંપનીઓને ગ્રાહકો પ્રત્યેના વર્તન અને ફરિયાદ નિવારણના આધારે રેટિંગ આપવા માટે CRI તૈયાર કરવા MOU કરવામાં આવ્યા છે.
- નવા ગોડાઉનોનું નિર્માણ: રાજ્યમાં સંગ્રહ ક્ષમતા વધારવા માટે નાબાર્ડની સહાયથી 45 તાલુકાઓમાં 51 નવા ગોડાઉનો બાંધવાની વિચારણા છે, જેનાથી 93,400 મેટ્રિક ટન વધારાની ક્ષમતા ઊભી થશે.
- નવા આઈ.ટી. સેલની રચના: SMART-PDS સિસ્ટમના સુદૃઢ અમલીકરણ માટે વિભાગમાં નવા આઈ.ટી. સેલની રચના કરવા રૂ. 2.49 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- લેબોરેટરી સાધનોની ખરીદી: કાનૂની માપ વિજ્ઞાન તંત્ર માટે 67 વર્કિંગ સ્ટાન્ડર્ડ લેબોરેટરી સાધનોની ખરીદી માટે રૂ. 28.38 કરોડની જોગવાઈ કરાઈ છે.


