વડિયામાં રખડતા શ્વાને ઘર આંગણે રમતા બાળકને ફાડી ખાતા અરેરાટી
શ્વાન આતંકની પરાકાષ્ઠા: એક મહિનામાં ૪ બાળકો પર જીવલેણ હુમલા છતાં તંત્ર ઊંઘતું રહ્યું; સ્થાનિકો હવે સિંહ કરતાં શ્વાનથી વધુ ફફડે છે
અગ્ર ગુજરાત, અમરેલી
અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં હિંસક શ્વાનોનો આતંક યથાવત્ છે. આજે 4 શ્વાનોએ એક બાળક પર હિંસક હુમલો કર્યો હતો. શ્વાનોએ બાળકને ફાડી ખાતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું છે. છેલ્લા 20 થી 25 દિવસમાં બાળકો પર શ્વાનના હુમલાનો આ ચોથો બનાવ છે, જેના કારણે ગ્રામજનોમાં ભારે ભય અને રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ જણાવી રહ્યા છે કે, ‘અમને સિંહથી નહીં પણ શ્વાનથી ડર લાગે છે’.
આજની ઘટના વડિયા તાલુકાના ખાન ખીજડિયા સીમ વિસ્તારમાં બની હતી. પ્રફુલ બોરડના ખેતરમાં કામ કરતા મજૂર મગન બારૈયાના 7 વર્ષીય પુત્ર રોમિત પર શ્વાનોના ટોળાએ હુમલો કર્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે, રોમિતનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જેથી પરિવારમાં હાલ શોકનો માહોલ છવાયો છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં 4 થી 5 હિંસક શ્વાનોનું ટોળું સક્રિય છે, જે સતત નાના બાળકોને નિશાન બનાવી રહ્યું છે. છેલ્લા ત્રણ અઠવાડિયામાં ચાર બાળકો પર જીવલેણ હુમલા થયા છે, જેમાંથી કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા હતા અને આજે એક બાળકનું મોત થયું છે.
ખેડૂત જયેશ હીરપરાએ જણાવ્યું કે, અમારા ગામમાં સિંહ-દીપડા છે, એની અમને બીક નથી લાગતી. પણ આ ચાર-પાંચ કૂતરા છે તેનાથી વધુ ડર લાગે છે. છેલ્લા 20 દિવસમાં શ્વાનોએ બે છોકરાઓને ફાડી ખાધા છે અને બે છોકરાઓને તો સાવ મારી નાખ્યા છે. એટલે અત્યારે સીમમાં જવા જેવું રહ્યું નથી. સરકાર પાસે અમારી એટલી માંગ છે કે, આ શ્વાનોનું વહેલાસર કંઈક નિરાકરણ લાવો. ગામમાં બહુ ડર લાગે છે. મજૂર તો અત્યારે કોઈ આવવા રાજી નથી. અમારે બાળકોને સ્કૂલે આમાં કેવી રીતે મોકલવા? શ્વાનો હાલ માનવભક્ષી બની ગયા છે.
બાળકના પિતા મગનભાઈએ જણાવ્યું કે, હું ખેતરમાં પાણી વાળતો હતો. પવનનો અવાજ આવતો હોવાથી મને કંઈ ખબર ન પડી. જ્યારે મેં જોયું તો મારી છોકરી ત્યાંથી ભાગીને આવી અને ટીપણ પાછળ સંતાઈ ગઈ. કૂતરાઓએ મારા 7 વર્ષના દીકરા રોમિતને પકડી લીધો હતો અને તેને મારી નાખ્યો.
ખેડૂત ઘનશ્યામ ટોળિયાએ જણાવ્યું હતું કે, શ્વાનનો ખુબ ત્રાસ છે. સરકાર આનો કંઈક ઉપાય કરે એવી માંગણી છે. શ્વાનોનો બહુ જ લાગે છે. મજૂર પણ હવે રહેવા તૈયાર નથી. જો મજૂર નહીં રહે તો ખેડૂને કામ કેમ કરવું? ખેતીનું કામ કોણ કરશે?
સિંહ અને દીપડાથી પણ આટલી બીક નથી લાગતીઃ ખેડૂત ખેડૂત અરજણ હીરપરાએ જણાવ્યું હતું કે, “પહેલા પણ બે બાળકો પર હુમલા થયા હતા અને તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. આજે આ ચોથો બનાવ છે, જેમાં મજૂરના બાળકને શ્વાનોએ ફાડી ખાધું છે. હવે વાવણીનો સમય છે અને શાળાઓ પણ શરૂ થશે, ત્યારે ખેડૂતો, મજૂરો અને બાળકો કેવી રીતે ખેતરોમાં કે શાળાએ જઈ શકશે? તેમણે સરકારને તાત્કાલિક આનો ઉપાય કરવા અને કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમણે ઉમેર્યું કે, સિંહ અને દીપડાની પણ આટલી બીક નથી જેટલી આ શ્વાનોની છે.
સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ફફડાટ ફેલાયો સતત બની રહેલી આવી ઘટનાઓને કારણે સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. ગ્રામજનોએ તંત્રને તાત્કાલિક પગલાં લેવા અને આ હિંસક શ્વાનોને પકડીને સુરક્ષિત સ્થળે ખસેડવાની માંગ કરી છે, જેથી વધુ કોઈ નિર્દોષ બાળક ભોગ ન બને.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને સંબંધિત વિભાગ દ્વારા તપાસ તથા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અધિકારીઓએ પરિસ્થિતિને કાબૂમાં લેવા અને ગ્રામજનોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના પ્રયાસો શરૂ કર્યા છે.


