પાટણના શંખેશ્વર તાલુકામાં તલાટી મંત્રી રૂ.૭૦ હજારની લાંચ લેતા ઝડપાયો
તળાવની માટી આપવા કોન્ટ્રાકટર પાસે માંગ્યા હતા રૂપિયા : ACBની સફળ ટ્રેપ
અગ્ર ગુજરાત, પાટણ
પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકામાં ભ્રષ્ટાચાર સામે લાલ આંખ કરતા એન્ટી કરપ્શન બ્યુરોએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. શંખેશ્વર ખાતે કાર્યરત તલાટી કમ મંત્રી હમીર ઠાકોરને લાંચ લેતા રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે સરકારી કચેરીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સમગ્ર ઘટનાની વિગત મુજબ એક કોન્ટ્રાક્ટર દ્વારા વિસ્તારમાં આવેલા તળાવની માટી કાઢવા માટેની મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ વહીવટી મંજૂરી આપવાના બદલામાં તલાટી હમીર ઠાકોર દ્વારા રૂ. 70,000ની ગેરકાયદે માંગણી કરવામાં આવી હતી. ફરિયાદી આ રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે તાત્કાલિક એસીબી કચેરીનો સંપર્ક કર્યો હતો.
ફરિયાદીની ફરિયાદના આધારે એસીબીની ટીમે આયોજનબદ્ધ રીતે છટકું ગોઠવ્યું હતું. શંખેશ્વરના રાધે શોપિંગ સેન્ટર પાસે જ્યારે તલાટી હમીર ઠાકોર લાંચની રકમ સ્વીકારવા આવ્યા, ત્યારે અગાઉથી ગોઠવાયેલી એસીબીની ટીમે તેમને મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. લાંચની રકમ પકડાઈ જતાં તલાટીની ધરપકડ કરવામાં આવી છે.
એસીબી દ્વારા આરોપી તલાટી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં તલાટીની વધુ પૂછપરછ ચાલી રહી છે અને તેની મિલકતો અંગે પણ તપાસ થવાની શક્યતા છે. આ સફળ કામગીરીને કારણે પ્રમાણિક નાગરિકોમાં તંત્ર પ્રત્યેનો વિશ્વાસ મજબૂત થયો છે.


