સાસણમાં હવે સિંહદર્શન તા.૨3 જૂન સુધી પ્રવાસીઓ કરી શકશે
ચોમાસુ લંબાતા સહેલાણીઓને વધુ એક સપ્તાહ મળ્યું
અગ્ર ગુજરાત, જૂનાગઢ
સાસણ સહિત ગીર જંગલમાં આ સમય સિંહનો સંવનન કાળ શરૂ થતો હોવાથી સિંહ દર્શન બંધ કરવામાં આવે છે. પરંતુ ચોમાસુ લંબાતા સિંહદર્શન લંબાવવામાં આવ્યું છે અને તા.૨3 જૂન સુધી પ્રવાસીઓ હવે સિંહ દર્શન કરી શકશે.
ગીર અને દેવળિયા પાર્કમાં સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓ માટે ખુશખબર છે. દર વર્ષે સિંહોના સંવનન કાળને ધ્યાનમાં રાખીને 16 જૂનથી સિંહ દર્શન બંધ કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે ચોમાસું પાછું ખેંચાતા વન વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. વન વિભાગે સિંહ દર્શનનો સમયગાળો એક સપ્તાહ માટે વધારી દીધો છે.
હવે પ્રવાસીઓ 23 જૂન સુધી ગીર અને દેવળિયા પાર્કમાં સિંહ દર્શનની મજા માણી શકશે. સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત અને સિંહોના સંવનન કાળને કારણે દર વર્ષે 16 જૂનથી સિંહ દર્શન બંધ કરવામાં આવે છે. જોકે, આ વર્ષે રાજ્યમાં ચોમાસું મોડું પડતાં અને હવામાન અનુકૂળ રહેતાં વન વિભાગે પ્રવાસીઓના હિતમાં સિંહ દર્શનનો સમયગાળો લંબાવવાનો નિર્ણય લીધો છે. વન વિભાગના આ નિર્ણયથી પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો અને ગીરની મુલાકાત લેવાની યોજના બનાવનારા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.


