રાજકોટ મનપાના પદાધિકારીઓની ગંભીર બેદરકારી
સમિતિઓના ચેરમેન ગેરહાજર, લાઇટ-પંખાઓ ચાલુ
૧૫માંથી ૧૨ વડાઓ ગેરહાજર રહેતા અને વીજળીનો બગાડ થતાં સ્ટે.ચેરમેન આક્રમક : લોકોના પૈસાનો વ્યય થતો હોવાની ચર્ચા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકામાં અધિકારીઓ અને પદાધિકારીઓની બેદરકારી છાશવારે સામે આવતી હોય ત્યારે ચૂંટણી બાદ હાલ મનપામાં ૧૫ સમિતિઓના વડાની નિયુકિત કરવામાં આવી હતી ચેરમેન બનવાની સાથે જ બેદરકારી સામે આવી છે. ૧૫માંથી ત્રણ સમિતિના ચેરમેન જ પોતાની ઓફિસમાં જોવા મળ્યા હતા. જયારે ૧૨ ચેરમેન ગેરહાજર જોવા મળતા સ્ટેન્ડિંગ ચેરમેન લાલઘૂમ થયા હતાં.
12 સમિતિના ચેરમેનો પોતાની ચેમ્બરમાં હાજર નહોતા, તેમની બંધ અને ખાલી ચેમ્બરોમાં લાઈટ, પંખા અને એસી ધમધમતા જોવા મળ્યા હતા. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં કરકસર કરવા તેમજ વીજળીનો બગાડ અટકાવવાની અપીલ કરવામાં આવી છે, ત્યારે રાજકોટ મનપાના નવનિયુક્ત ચેરમેનો વડાપ્રધાનની આ કરકસરની અપીલના સરેઆમ ધજાગરા ઉડાડતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પ્રજાના ટેક્સના પૈસાનો આ પ્રકારે બેફામ બગાડ થતો જોઈને મનપા કચેરીમાં ચર્ચાનો દોર શરૂ થયો હતો.
આ સમગ્ર ઘટનાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ ગંભીરતાથી નોંધ લીધી છે. તેમણે આ અંગે જણાવ્યું હતું કે, જ્યારે તમામ ચેરમેનોની નિમણૂંક કરવામાં આવી હતી, ત્યારે જ મેયર અને શહેર ભાજપ પ્રમુખ માધવભાઈની હાજરીમાં એક સંકલનની બેઠક યોજવામાં આવી હતી. જેમાં આ તમામ નવનિયુક્ત ચેરમેનોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે તેમણે પોતાની ચેમ્બરમાં વધુમાં વધુ સમય હાજર રહેવું, જેથી મનપા ખાતે પોતાના કામ અર્થે આવતા અરજદારોને મુશ્કેલી ન પડે અને તેમને ચેરમેનોની સેવાનો સીધો લાભ મળી શકે.
પરેશ પીપળીયાએ પોતાના વિશે દાવો કરતા કહ્યું હતું કે, તેઓ પોતે જ્યારે પણ ચેમ્બરમાં હાજર નથી હોતા ત્યારે તેમની ચેમ્બરના તમામ વીજ ઉપકરણો બંધ રાખવામાં આવે છે. અને તેઓ પોતે પણ આ નિયમનું ચુસ્તપણે પાલન કરે છે. આપણે ઘરમાં જે રીતે વીજળીનો કરકસરથી ઉપયોગ કરીએ છીએ તેવી જ રીતે અહીં પણ કરવો જોઈએ. ત્યારે હવે જોવાનું એ રહેશે કે સ્ટેન્ડિંગ ચેરમેનના આ આદેશ બાદ ગેરહાજર રહેતા ચેરમેનોની શાન ઠેકાણે આવે છે કે નહીં.
બેદરકારી નહી ચલાવી લેવાય : સ્ટે.ચેરમેન
ચેરમેનોની ગેરહાજરી અને વીજ ઉપકરણો પણ ચાલુ હોવાની બાબત સ્ટેન્ડિંગ ચેરમેનના ધ્યાને આવતા ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું હતું કે આ બેદરકારીને બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. તેઓ ફરીથી તમામ સમિતિના ચેરમેનોને કડક આદેશ કરશે કે તેઓ નિયમિત અને સમયસર પોતાની ચેમ્બરમાં હાજર રહે. આ સાથે જ તેમણે વીજળીના બગાડ અંગે પણ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, જ્યારે ચેરમેન કે અન્ય કોઈ વ્યક્તિ ચેમ્બરમાં હાજર ન હોય ત્યારે તમામ લાઈટ, પંખા અને એસી જેવા વીજ ઉપકરણો ફરજિયાત બંધ રાખવાના રહેશે.


