અમરેલીમાં આપનું ડીઝલની અછત અને મોંઘવારી મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર
ખેડૂતો-લોકોને પડતી હાલાકી દૂર કરવા રજૂઆત
અગ્ર ગુજરાત, અમરેલી
ગુજરાતમાં વધતી મોંઘવારી અને ડીઝલની તીવ્ર અછતને લઈ આજે આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લા દ્વારા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આમ આદમી પાર્ટીના અમરેલી જિલ્લા પ્રમુખ તથા પ્રદેશ સંગઠન મંત્રી નિકુંજભાઇ સાવલિયાના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ મોંધવારી સહિતના પોસ્ટર સાથે કલેકટરને કચેરી ખાતે આવી પહોંચ્યા હતાં. ત્યારબાદ કલેકટરને વધતી જતી મોંઘવારીને લઇ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આ આવેદનપત્રમાં મોંઘવારી અને ડિઝલની અછતને લઇ રજૂ કરવામાં આવ્યું હતું. જેમા જણાવેલ કે, ખેતી સીઝનમાં ડીઝલની અછતથી ટ્રેક્ટરો ઠપ્પ છે. ખેડૂતો માટે પેટ્રોલ પંપો પર ડીઝલનો વિશેષ ક્વોટા નક્કી કરો અને ખાતરના વધેલા ભાવ પરત ખેંચો. તેમજ ડીઝલ અછતથી માલવાહક વાહનો અટવાયા છે. હાઈવેના ઇંધણ સ્ટેશનો પર 24 કલાક ડીઝલ પુરવઠો સુનિશ્ચિત કરો. સંગ્રહખોરી અને કાળાબજારી સામે વિજિલન્સ તપાસની માંગ કરવામાં આવી હતી. સામાન્ય નાગરિકો અને ગૃહિણીઓની પડતી મુશ્કેલીઓ અંગે ઉલ્લેખ કરાયો હતો. વધુમાં જણાવેલ કે, ડીઝલ અછત અને ટ્રાન્સપોર્ટ ખર્ચ વધવાથી શાકભાજી, અનાજ, તેલ, દૂધ સહિત જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. મોંઘવારી કાબૂમાં લેવા ઇંધણ પર VAT-સેસ ઘટાડો અને દરેક જિલ્લામાં પ્રાઇસ કંટ્રોલ સ્ક્વોડ કાર્યરત કરવાની માંગ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે. નિકુંજ સાવલિયાએ જણાવ્યું કે, સરકાર જો તાત્કાલિક પગલાં નહીં ભરે તો રાજ્યનું અર્થતંત્ર અને જનજીવન વધુ મુશ્કેલીમાં મુકાશે. સરકાર દ્વારા જનતાના પ્રશ્નો યુદ્ધના ધોરણે ઉકેલવા માંગ છે. આ તકે આમ આદમી પાર્ટીના સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો, ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.


